Tata Capital IPO Guidance in Gujarati

Tata Capital IPO Guidance in Gujarati
કંપની વિશે
તાતા ગ્રૂપની કંપની ભાગ્યે જ મૂડીબજારમાં આવે છે અને જે રીતે આ ગ્રૂપે દસકાઓથી ઇન્વેસ્ટરોનો વિશ્વાસ ઊભો કર્યો છે તે જાેતા તાતા ગ્રૂપના દરેક આઈપીઓની ખૂબ જ આતૂરતાપૂર્વક રાહ જાેવાય છે. અને તેવી જ રીતે તાતા સન્સ પ્રાઈવેટ લિમિટેડની પેટા કંપની અને દેશની ત્રીજા નંબરની સૌથી મોટી નોનબેંકિંગ ફિનાન્સ કંપની તાતા કેપિટલ ૬ઠ્ઠી ઓક્ટોબરે મૂડીબજારમાં દાખલ થશે.
૩૦ જૂન, ૨૦૨૫ આખરે ૨૩૩૪૦૦ કરોડના ગ્રોસ ધિરાણો ધરાવતી આ કંપની તેની ગ્રોસલોનની દૃષ્ટિએ ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી વૈવિધ્યપૂર્ણ એનબીએફસી છે અને સને ૨૦૨૩થી સને ૨૦૨૫ દરમ્યાન તેના ગ્રોસ ધિરાણોમાં ૩૭.૩૦ ટકાનો તોતિંગ ઉછાળો જાેવાયો છે. અને સાથે સાથે એસેટ ક્વોલિટીમાં પણ આ કંપની ઉત્તમ લેવલ ઉપર ચાલી રહી છે. કંપનીનો પ્રોવિઝન કવરેજ રેશિયો અત્યારે ૫૩.૯૦ છે અને તે રીતે આ કંપની તમામ વૈવિધ્યપૂર્ણ એનબીએફસીમાં સૌથી મજબૂત બેલેન્સશીટ ધરાવે છે. નેટ સ્ટેજ-૩ લોનનો રેશિયો અત્યારે ૦.૫ ટકા છે.
કંપનીએ સને ૨૦૦૭માં ધિરધારનું કામ શરૂ કર્યું હતું અને અત્યારે લગભગ ૭૩ લાખ ગ્રાહકો દેશભરમાં ધરાવે છે. કંપની દ્વારા ૨૫થી વધારે ધિરાણની પ્રોડક્ટો ઓફર કરવામાં આવી રહી છે. અને તેમાં તેનું ફોકસ રીટેઈલ અને એસએમઈ ધિરાણો ઉપર પણ છે. એસએમઈ અને રીટેઈલ ધિરાણોનો હિસ્સો ૮૭.૫૦ ટકા છે અને તેને કારણે ઘાલખાધનું પ્રમાણ અતિશય નીચું આવી ગયું છે.
અત્યારે કેટલીક એનબીએફસી ઓનલાઈન ગ્રાહકો હાંસલ કરવાનું ફોકસ ધરાવે છે. અને તેની સામે આ કંપનીએ ફિઝિટલ વ્યૂહરચના અપનાવી છે. અને આ ફિઝિટલ રચનામાં કંપની એક તરફ પોતાનું બ્રાન્ચ નેટવર્ક વધારે છે જ્યારે બીજી તરફ ડિજિટલ માધ્યમથી નવા ગ્રાહકો હાંસલ કરી પ્રોસેસિંગનું કામ કરાય છે. જૂન, ૨૦૨૫ આખરે કંપની ૧૫૧૬ બ્રાન્ચનું નેટવર્ક ધરાવતી હતી અને તે રીતે છેલ્લા બે વર્ષ દરમ્યાન બ્રાન્ચ નેટવર્કમાં વાર્ષિક ૫૮.૩૦ ટકાનો તોતિંગ ઉછાળો જાેવાયો છે.
પ્રમોટરો :
તાતા સન્સ પ્રાઈવેટ લિમિટેડ અને તે કંપની પાસે આઈપીઓ અગાઉ ૯૫.૬૦ ટકા હોલ્ડિંગ છે.
આઈપીઓનો હેતુ :
કંપનીનું મૂડીમાળખું મજબૂત કરવા માટે.
આઈપીઓની વિગત :
રૂા. ૧૫૫૧૧.૮૭ કરોડના આઈપીઓમાં ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂા. ૬૮૪૬ કરોડ અને ઓફર ફોર સેલ દ્વારા રૂા. ૮૬૬૫.૮૭ કરોડ ઊભા કરવામાં આવશે. પ્રાઈસબેન્ડ રૂા. ૩૧૦/૩૨૬ છે. લઘુતમ અરજી ૪૬ શેરની છે અને તે રીતે રોકાણકારે રીટેઈલમાં રૂા. ૧૪૯૯૬ કરોડની લઘુતમ અરજી કરવી પડશે. જ્યારે રીટેઈલમાં મહત્તમ અરજી ૫૯૮ શેરની / રૂા. ૧૯૪૯૪૮ની કરવી પડે. આઈપીઓ પછી તાતા ગ્રૂપનું હોલ્ડિંગ ઘટીને ૮૫.૫૦ ટકા હશે.
નાણાકીય એનાલિસીસ
આઈપીઓ અગાઉના વર્ષ સને ૨૦૨૪-૨૫માં કંપનીએ રૂા. ૨૮૩૭૦ કરોડની આવકો ઉપર રૂા. ૩૬૫૫ કરોડનો નેટનફો હાંસલ કર્યો હતો અને તે રીતે નેટવર્થ ઉપર કંપનીએ ૧૧.૨૦ ટકાનું રિટર્ન હાંસલ કર્યું છે. જ્યારે ઇક્વીટી ઉપર તેણે ૧૨.૬૦ ટકાનું રિટર્ન હાંસલ કર્યું છે. શેરની બુકવેલ્યૂ રૂા. ૪૧ છે અને તેની સામે શેર અત્યારે ૪.૧૦ના રેશિયો ઉપર ઓફર થયો છે. જ્યારે આઈપીઓ અગાઉની રૂા. ૯.૦૬ની શેરદીઠ કમાણીની સામે ૩૫.૯૯ના પીઈરેશિયો ઉપર શેર ઓફર થયો છે.
નોનબેંકિંગ ફિનાન્સ કંપનીઓમાં બજાજ ફિનાન્સનો શેર અત્યારે ૩૭.૮૦ના પીઈરેશિયો ઉપર છે જ્યારે એચડીબી ફિનાન્સીયલનો શેર ૨૮.૧૦ના પીઈરેશિયો ઉપર ચાલી રહ્યો છે અને તે રીતે આ આઈપીઓ થોડોક મોંઘો લાગે તેમ છતાં તાતા ગ્રૂપના શેર હંમેશાં પ્રિમિયમ વેલ્યૂએશન જાળવી શકે છે. બીજી તરફ આ ગ્રૂપ તરફનો રોકાણકારોનો વિશ્વાસ એટલો જાેરદાર છે કે વેલ્યૂએશન થોડુંક મોંઘું હોવા છતાં પણ તેને તમામ કેટેગરીના ઇન્વેસ્ટરો તરફથી જાેરદાર પ્રતિભાવ મળવાનો અને સામે પક્ષે તાતા કેપિટલ છેલ્લા બે વર્ષ દરમ્યાન ગ્રોસ ધિરાણોમાં સૌથી ઊંચો વૃદ્ધિદર ધરાવે છે અને નેટ એનપીએની દૃષ્ટિએ પણ અતિશય મજબૂત બેલેન્સશીટ હોવાને કારણે આ કંપનીની આઈપીઓ પછીની નફાશક્તિમાં પણ ખૂબ જ મોટા ઉછાળાની જગ્યા છે.
આમ નફાશક્તિમાં વધારે ઊંચા દરથી વૃદ્ધિની જગ્યા હોવાથી થોડુંક મોંઘું વેલ્યૂએશન આ શેર માટે યોગ્ય કહી શકાય.
અત્યારે ગ્રે-માર્કેટમાં પ્રિમિયમ રૂા.૨૦-૨૨ આસપાસ બોલાય રહ્યું છે અને છેલ્લા એક વર્ષ દરમ્યાન ગ્રેમાર્કેટનો જે પ્રકારનો ટ્રેન્ડ છે તે જાેતા ભરણું પૂરું થાય તે પછી પ્રિમિયમ વધારે ઘટે તો નવાઈ નહિ લાગે.
પ્રથમ ક્વાર્ટરના રૂા. ૧૦૪૦ કરોડના નફાને આધારે અંદાજીએ તો સને ૨૦૨૫-૨૬માં કંપની રૂા. ૪૫૪૩ કરોડનો નેટનફો મેળવે તે સંભાવના મજબૂત છે અને તે રીતે રૂા. ૧૦ની શેરદીઠ કમાણીની સંભાવના છે અને તેની સામે ૩૨ના પીઈરેશિયો ઉપર રૂા. ૩૪૨નો ભાવ આવે. લોંગટર્મ માટે અરજી કરવી.

Tata Capital IPO Guidance in Gujarati